મોટી જાહેરાતો, પોલીસ વિભાગમાં નવી 11 હજારની ભરતી કરાશે, નિરાધાર વૃદ્ધના પેન્શનમાં રૂ.250નો વધારો

By | 26 Feb, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

  • માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કેસમાં રૂ.50 હજારની જગ્યાએ રૂ.1 લાખનું વિમા કવચ
  • 4,528 હોમગાર્ડની ભરતી કરાશે
  • સરકારી હોસ્ટેલો, વિશ્રામ ગૃહો અને યાત્રાધામોમાં સૌર ઉર્જા આધારિત હોટ વોટર સિસ્ટમ મુકાશે
  • ગ્રામ્ય વિસ્તારમાં નવા મંજૂર આવાસમાં બાથરૂમની સુવિધા માટેની સહાયમાં રૂ.2000નો વધારો

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષ 2020-2021નું રૂ.2.17 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરવામાં આવશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જ્યારે 4,528 જેટલા હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવશે. જેથી હવે હોમગાર્ડનું સંખ્યાબળ 49 હજાર 808 જેટલું થઈ જશે.

સમૂહ લગ્નમાં લગ્ન કરનારા અનુસૂચિત- વિચરતી જાતિના યુગલોને રૂ.12,000ની સહાય
અનૂસુચિત અને વિચરતી જાતિના લોકોમાં સમૂહ લગ્નોને પ્રોત્સાહન મળે તે માટે સાત ફેરા સમૂહ લગ્ન યોજના હાલ અમલમાં છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ તથા વિચરતી જાતિની સંસ્થાઓને 25 યુગલની મર્યાદામાં યુગલદીઠ રૂ.2000 તથા યુગલોને રૂ.10 હજારની સહાય આપવામાં આવે છે. જેને વધારી સંસ્થાઓને યુગલદીઠ રૂ.3000 તથા યુગલોને રૂ.12,000ની સહાય આપવામાં આવશે. જે માટે કુલ રૂ.9 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત 1000 યુગલોને સહાય આપવા માટે રૂ.10 કરોડની જોગવાઇ કરી છે.

વિદેશમાં વસતા ગુજરાતના યુવાનોને આકર્ષવા નવી યોજના જાહેર
વિદેશમાં વસતા ગુજરાતના યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આપણી માતૃભાષા, સંસ્કૃતિ અને ભવ્ય વારસાનો પરિચય મેળવી શકે તે માટે ગુજરાતને જાણો નામની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાન થવાના કેસમાં રૂ.50 હજારનું વિમા કવચ આપવામાં આવતું હતું. જેને રાજ્ય સરકારે વધારીને રૂ.1 લાખનું કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.